
(ફાઈલ તસવીર)
સુરત: સચિન-પલસાણા ટોલનાકા ખાતે સુરત પાર્સિંગના વાહન ચાલકો પાસેથી પણ ટોલના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી હોવાની બુમરાણ ઉઠી છે જેને લઈ વારંવાર વિરોધ થતો રહે છે. તેમ છતા સ્થાનિકો માટે ટોલની ફીમાં પ૦ ટકા રાહત આપવાના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. જેને લઈ હવે સુરત ચેમ્બર દ્વારા સચિન-પલસાણા ટોલનાકા પર નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું પાલન કરાવવા માટે એનએચએઆઈના પ્રોજેકટ ડિરેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
આ બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ મિડિયાને જણાવ્યું હતું કે “નેશનલ હાઇવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોવિઝન ઓફ સેક્શન ૯.૩A ઓફ ધ રૂલ-૧૧ ઓફ ધ નેશનલ હાઈવે ફી (ડેટરમીનેશન ઓફ રેટ્સ એન્ડ કલેક્શન) રૂલ્સ, ૨૦૦૮ મુજબ જે તે જિલ્લાના આરટીઓ પાર્સિંગવાળા વાહનો સંબંધિત જિલ્લાના ટોલનાકા પર ફીમાં ૫૦ ટકા રાહત આપવાની હોય છે, જે કેન્દ્ર સરકારનો નિયમ છે. આ નિયમ મુજબ સુરત પાર્સિંગની ગાડી હોય અને તે સુરત જિલ્લામાં આવેલા હાઈવેના ટોલનાકા પરથી પસાર થાય, ત્યારે વાહનચાલકે ટોલની ફક્ત ૫૦ ટકા જ ફી ચૂકવવાની હોય છે. પરંતુ સચિન- પલસાણા હાઈવે પરના ટોલનાકા પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી પૂરેપૂરી ફી વસૂલવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી છે ફાસ્ટેગ ધરાવનાર વાહનચાલકો ટોલનાકાથી પસાર થયા બાદ ફાસ્ટેગમાંથી ૧૦૦ ટકા ફી કપાઈ જતી હોવાની બાબત પણ સામે આવી છે આ બાબતે નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિયમોનું સચિન-પલસાણા હાઈવેના ટોલનાકા પર પાલન કરાવવા માટે પ્રોજેકટ ડિરેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે